પશુબલી બંધ કરાવી અહિંસક વૈદિક યજ્ઞો શરૂ કરાવ્યા.

સહજાનંદ સ્વામીએ એમના જીવન દરમિયાન જોયું કે અનેક પરોપકારી અને શાસ્ત્રીય અર્થોને કેટલાક મુઠ્ઠીભર સ્વાર્થીઓ સમાજને ગેરમાર્ગે દોરતા હતાં. જેમાં સામાન્ય વ્યવહારો કે ખાનપાન કે પૂજાવિધિ પણ સામેલ હતા. તેઓ દેવી – દેવતાઓની પૂજા કરવામાં પણ પોતાની મરજી મુજબ શાસ્ત્રોના અર્થો બતાવીને દારૂ, માંસ અને વ્યભિચારને પણ શાસ્ત્રીય રીત બતાવતા અને તેનું પૂજન દરમિયાન અનુસરણ…

સહજાનંદ સ્વામીએ એમના જીવન દરમિયાન જોયું કે અનેક પરોપકારી અને શાસ્ત્રીય અર્થોને કેટલાક મુઠ્ઠીભર સ્વાર્થીઓ સમાજને ગેરમાર્ગે દોરતા હતાં. જેમાં સામાન્ય વ્યવહારો કે ખાનપાન કે પૂજાવિધિ પણ સામેલ હતા. તેઓ દેવી – દેવતાઓની પૂજા કરવામાં પણ પોતાની મરજી મુજબ શાસ્ત્રોના અર્થો બતાવીને દારૂ, માંસ અને વ્યભિચારને પણ શાસ્ત્રીય રીત બતાવતા અને તેનું પૂજન દરમિયાન અનુસરણ કરાવતા. જે સમય વીતવા સાથે એક રૂઢિ બની ગઈ હતી. આવી રૂઢીઓ પૈકી યજ્ઞમાં પશુબલીથી યજ્ઞ પૂર્ણ થાય અન્યથા યજ્ઞનારાયણ કોપાયમાન થાય આવી વાતો કરી સમાજને ગેરમાર્ગે દોરતા હતા. આવી રીતે યજ્ઞયાગાદિકમાં અનેક સડાં પેસી ગયા હતા તે સમયાંતરે રૂઢિ-પરંપરા બની ગઈ હતી.

સહજાનંદ સ્વામીએ અહિંસાના પાલન માટે સમાજમાં પ્રવર્તી રહેલી રૂઢી સામે એક પ્રકારે જેહાદ જગાવી હતી. તેમણે વેદોમાં હિંસાનું કોઈ સ્થાન નથી અને અહિંસક યજ્ઞોનું જ પ્રતિપાદન છે તેમ વારંવાર શાસ્ત્રાર્થ કરીને ભારપૂર્વક સ્થાપિત કર્યું હતું. અને હિંસક યજ્ઞો સામે અહિંસક યજ્ઞોને આદર્શ સ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા.

સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી શ્લોક 12-16માં લખ્યું છે કે : ” યજ્ઞ કરવાને અર્થે પણ બકરા, મૃગલાં , સસલા કે માછલાં આદિક જીવની હિંસા ન કરવી કે માંકડ, ચાંચડ જેવા જીવજંતુઓની પણ હિંસા કરવી નહીં. અને એ પણ જણાવ્યું છે કે સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિના અર્થે પણ કોઈ મનુષ્યની હત્યા ન જ કરવી. તેમજ ક્રોધે કરીને કોઈની હત્યા ન કરવી કે પોતે આત્મહત્યા પણ ન કરવી.

અહીં બતાવી એ હિંસા એ એવી હિંસા છે જે સમાજનું કે જીવનું કે વ્યક્તિને પોતાનું નુકસાન થતું હોય છે અને તેના પરિણામો ઘણાંબધા લોકોને ભોગવવાનું આવતું હોય છે. જ્યારે સહજાનંદ સ્વામી કોઇની હિંસા સામે જેનાથી સમાજને ફાયદો થતો હોય એવા સમયે પ્રતિકાર કરવા પણ કહે છે :

વાત છે ગુજરાતમાં પગી ઠાકરડાઓ જ્યારે અતિઘાતકી, નિર્દય અને લૂંટારા હતા ત્યારે ઈ.સ. 1806 માં બામણોલી તખાપગીના ઘરે પધાર્યા ત્યારે સહજાનંદ સ્વામીના સત્સંગથી બધા પગીઓએ ભાલા, તલવારો અને તિરકાંમઠાઓ ફેંકી દિધા તે જોઈને સહજાનંદ સ્વામીએ કહ્યું : ” એમ એ ફેંકી દેવાના નથી. તેને સાચવો, તેનું પૂજન કરો અને ગરીબોને કોઈ પિડતો હોય, સમજાવવા છતાં પણ ન માનતો હોય ત્યારે ગરીબની, બ્રાહ્મણની, સ્ત્રીની અને ગાયના રક્ષણ માટે તેનો ઉપયોગ કરવો પણ જોઈએ.

એવા આતતાયીઓ આગળ અહિંસા એ નામર્દાઈ છે.” આમ સહજાનંદ સ્વામીના શબ્દોમાં રાજનિતીક ફોરમ હતી, ન્યાયનું પરિશિલન પણ હતું. વાત સહજમાં જ નિ:શસ્ત્રીકરણ કરાવી દિધું અને શસ્ત્ર વાપરવાની દિશા પણ બતાવી દિધી.

ઈ.સ. 1807 માં ભુજ (કચ્છ)ના રાજના કારભારી જગજીવન મહેતા કે જે શાક્તપંથી દેવીભક્ત હતા. તેણે હીંસક (પશુબલી આપી ) યજ્ઞનું આયોજન કર્યું હતું તેમાં સહજાનંદ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેથી સહજાનંદ સ્વામી યજ્ઞશાળામાં પધાર્યા, ત્યારે તેમણે જોયું કે અહીં ઘણા બધા પશુઓ બલી ચડાવવા માટે લાવવામાં આવ્યા હતા. તેથી યજ્ઞવિધી કરાવી રહેલા બ્રાહ્મણોને કહ્યું કે : ” સજ્જનો ! હું અહીં જોઈ રહ્યો છું કે અહીં પશુહિંસા થવાની છે. બુદ્ધિમાન મનુષ્ય જો આવાં પ્રસંગે ઉપસ્થિત હોય તો તેણે શાસ્ત્રસંમત વચન કહેવા જોઈએ. અને ન કહે તો તે પણ એ પાપનો ભાગી ગણાય. યજ્ઞોમાં હિંસાનો નિષેધ આપણા તમામ શાસ્ત્રોમાં છે. જો બ્રાહ્મણો પશુહિંસા કરાવે તો તેનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે.” આવી રીતે યજ્ઞોમાં અપાતા પશુબલી અંગે શાસ્ત્ર સંમત વિરોધ કરતાં અને બ્રાહ્મણ કે વિદ્વાનોને તે અંગે સમજાવતાં.

અમદાવાદ નજીક ગાયકવાડી સુબાની હકુમતમાં જેતલપુરમાં ઈ.સ. 1809 (આષઢી સંવત 1865)માં અઢાર દિવસનો અહિંસક યજ્ઞ કર્યો હતો. એક દિવસ મહેમદાવાદનો શક્તિપંથી બ્રાહ્મણ બંસીધર તેના કેટલાક શિષ્યો સાથે આવ્યો. તેણે સહજાનંદ સ્વામીને કહ્યું : ” શક્તિ ઉપાસના ક્યા ઉપચારોથી કરવી જોઈએ? ”

ત્યારે યજ્ઞવિધિ માટે આવેલ વિદ્વાન બ્રાહ્મણોએ ઉત્તર વાળતાં જણાવ્યું કે : ” શક્તિ એ ભગવાનનું જ સ્વરૂપ છે. લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી આ ત્રણેય દેવીઓ તે ભગવાનની જ શક્તિ છે એમ વેદોમાં કહેવામાં આવ્યું છે. જેમ ભગવાનનું પૂજન-અર્ચન ચંદન, કંકુ, કેસર, અક્ષત, શ્રીફળ અને બીજા ધાન્યાદિક વડે બનાવેલા ભોગો વડે કરીએ છીએ તે જ પ્રમાણે તેમના સ્વસ્વરૂપ તેમની શક્તિની પૂજા પણ તે જ ઉપચારો વડે કરવાની હોય છે.”
આ સાંભળીને બંસીધર મૂંઝાયો. તે શક્તિપંથી, કૌલમતવાદી હતો તેથી માંસ-મદિરાથી શક્તિ પૂજન કરતો. અને તે સમયે ગુજરાત સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણો કૌલમતને આશર્યા હતા તેથી તેને આવા જવાબની અપેક્ષા ન હતી તેને તો બધા બ્રાહ્મણો પોતાને સાથ આપશે અને માસ-મદિરા યોગ્ય ઠરશે, એવી જ આશા હતી તેમાં નિરાશા સાંપડી.
વિદ્વાન બ્રાહ્મણોનો એવો પ્રત્યુત્તર સાંભળીને સહજાનંદ સ્વામીએ પૂછ્યું: ” હેં વિપ્રો ! જે બ્રાહ્મણો મદ્ય માંસથી શક્તિની પૂજા કરી ઉપાસના કરતાં હોય છે. તેમની ક્યા પ્રકારની ઉપાસના સમજવી ?
ત્યારે બ્રાહ્મણોએ કહ્યું : ” તે તામસી ઉપાસના છે અને તે રીતે શક્તિપૂજા -ઉપાસના કરનારા બ્રાહ્મણો એ બ્રાહ્મણો નથી પરંતુ મલેચ્છ છે.”

આમ શાસ્ત્રોના આધારે યજ્ઞમાં હિંસા એ વેદ પ્રતિપાદિત નથી. માટે શાસ્ત્રોનો સનાતન સિદ્ધાંત – અહિંસક યજ્ઞો કરી યજ્ઞનારાયણને પ્રસન્ન કરવા તે છે. આમ દરેક વર્ષે અહિંસક યજ્ઞનું આયોજન કરી સમાજને યજ્ઞની વૈદિક ઉપાસના સમજાવતાં. અને તે રીતે અહિંસક યજ્ઞનું પ્રવર્તન કર્યુ હતું.

ઈ.સ. 1810માં ડભાણમાં પણ આવો જ અહિંસક યજ્ઞોત્સવ હતો ત્યારે જોબન પગી કે જેનાથી આખું ગુજરાત, સૌરાષ્ટ્ર અને વિદર્ભ ધ્રૂજતા હતા તે અહીં ચોરી કરવા અને સહજાનંદ સ્વામીનો રોઝો ઘોડો ચોરવા આવેલ પરંતુ તે એમ કરવા જતાં જોબનનું હૃદય પરિવર્તન થયું અને સહજાનંદ સ્વામીના નિર્માની શિષ્ય બની રહ્યા હતા. અહીં ભાદરાના મુળજી શર્માને મહાદિક્ષા આપી ગુણાતિતાનંદ નામ આપ્યું હતું. સહજાનંદ સ્વામીએ તેમના દિવ્ય વ્યક્તિત્વ અને તેમણે આદરેલી અહિંસક યજ્ઞોની પરંપરાથી ગુજરાત – સૌરાષ્ટ્રમાં હિંસક યજ્ઞોની પ્રથા નષ્ટ થઈ રહી હતી.

સહજાનંદ સ્વામીએ બ્રાહ્મણોનું બ્રાહ્મણત્વ, તેમનું ગૌરવ અને જનસમાજના ઉપદેષ્ટા તરીકેનું તેમનું પદ સંપૂર્ણપણે વિકસાવવા, તેમને અજ્ઞાનતા, વહેમ અને વ્યસનના અનિષ્ટોથી ઉગારવા માટે અહિંસક યજ્ઞોની પરંપરા આદરી હતી. આમ ભૂમિ ઉપરથી નષ્ટ થયેલા યજ્ઞાદિ વૈદિક માર્ગને સજીવન કરી તેને પોષવા આવી મહાન પ્રવૃત્તિ આદરી હતી.
(આ જોબન પગી વિશે અલગથી પોસ્ટ લખી છે. જે આ લેખમાળા અંતર્ગત હવે પછી પોસ્ટ કરીશું.)

સંદર્ભ : (1) ભગવાન સ્વામિનારાયણનું બૃહદ જીવન ચરિત્ર ભાગ -2-3-4, લેખક હર્ષદરાય ત્રિભુવનદાસ દવે.
(2) શિક્ષાપત્રી, શ્લોક 12-16
(3) શ્રી ગુણાતિતાનંદ સ્વામી ભાગ -1 પાના નંબર 69, લેખક : હર્ષદરાય ત્રિભુવનદાસ દવે.

variyabd@gmail.com

બાબુલાલ વરીયા.

Leave a comment